Featured

First blog post

This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.

post

ખેતર તરફ જતાં………

ખેતર તરફ જતાં………

ભળભાંખળું થયે
હું નીકળી પડ્યો ; બહાર રસ્તે,
બધું જ રાતવરત યથાતથ હતું.
ઠંડા પવનના સુસવાટા
ને ટાઢમાં થીજી ગયેલું ચોપાસ,
ધુમ્મસ ધીરે ધીરે પ્રસરતુ હતું,
પટ પટ પટ પગલાંનો અવાજ થઈ રહ્યો હતો.
આગળથી ફંટાઈને હું દૂર ખેતરોમાં જતી
પગદંડી પર વળ્યો;
સીમનો સાદ પડ્યો હોય એમ
લાગ્યું ને હું પણ એ તરફ ખેંચાયો.
જરા શેઢે ચડ્યો ને પગ જાણે ખોડાઈ ગ્યા.
આંખોને અંધારા આવરી વળ્યા !
ખુલ્લા ખેતરોનો વૈભવ વેરાઈ ચૂક્યો હતો,
કશુંક આંખોમા આડું અવળું ખૂંચી રહ્યું ને
મારગ હવે મૂંઝવવા લાગ્યો.
હું ભરાઈ ગયો ભૂલભૂલામણીમાં,
ભરમાઈ ગયો
અરરે….!
વાડ અને પાળ, શેઢા ને ઝાડ
હવે તાર થઈ ગ્યા.
હદ થઈ ગઈ કે સરહદ?
દડદડાટી મૂકીને દોડવું’તું ખુલ્લા ખેતરોમાં
પણ કઈ તરફ ……?

-મનુ.વી.ઠાકોર ‘મનન’
ભદ્રાડા

ઝીણું ઝીણું રે ઝળહળતું….. /મનન

◾ગીત / ઝીણું રે ઝળહળતું

ઝીણું ઝીણું રે ઝળહળતું,
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું

ઘોર છવાયું ચોગમ ચિત્તે માયા કેરું જાળું,
મદ ચડ્યો છે માથે જેની આડે કાંઈ ના ભાળું.
કોઈ ગેબી નાદ બની મુજ ભીતરમાં સળવળ તું,
ઝીણું ઝીણું રે ઝળહળતું.
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું.

આતમના ઊંડાણ શું તાગે પળમાં પામર માનુષ
જાત બને જોગીંદર જે દી પામીએ પરમપુરુષ
શોધુ જે હું બ્હાર એ અંદર ઘટ ઘટમાં ખળભળતું
ઝીણું ઝીણું રે ઝળહળતું.
જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું.

-મનુ.વી.ઠાકોર ‘મનન’
ભદ્રાડા

#manan_2019

___________________________

સાત સાત દરિયાની પાર___/ મનન

*સાત સાત દરિયાની પાર___/ મનન

સાત સાત દરિયાની પાર મારે જાવું,
સાયબાની સંગાથે સેવેલા સપનાઓ આંખોમા રોજ રોજ વાવું.

કાંઠા પર નાંગરેલ ઈચ્છાના વ્હાણ હવે છૂટીને ધસમસતા વહેતા,
મધદરિયે મ્હાલવાના મનસૂબા મનખાના ઝાલું તોય ઝાલ્યા ના રહેતા.
મોજાંની જેમ પછી મસ્તાની જિંદગીનું ગમતીલું ગાણું છે ગાવું.
સાત સાત દરિયાની પાર મારે જાવું.

પરદેશી વાલમની પ્રીત્યુમાં બંધાણી ઘેલાં આ હૈયાથી હારી,
રેશમિયા ઓરતાઓ શણગારી સઢમાં ને જીવતરની હોડી હંકારી.
ખારા તે જળના એ મોંઘા મલક તણાં મનમાં મનોરથ સજાવું
સાત સાત દરિયાની પાર મારે જાવું.

*-મનુ.વી.ઠાકોર ‘મનન’*
ભદ્રાડા

__________________________________________________

◾શબ્દો________/મનન

◾શબ્દો________/મનન

ફૂલ બનીને ફોર્યા,
શબ્દો હૈયામાં કંઈક મ્હોર્યા.

હેલ બનીને છલક્યા શબ્દો, સહેલ બની સંગ મલક્યા,
અંધાર ભર્યા આખ્ખાય આભે તારલીયા થઈ ટમક્યા.
ઘાટ ઘડામણ રૂડા આપી ભાતે ભાતે કોર્યા.
ફૂલ બનીને ફોર્યા,
શબ્દો હૈયામાં કંઈક મ્હોર્યા.

ભીનો ભીનો ભાવ ભરેલા શબ્દો સુખ દુ:ખ છાપે,
અંતરમનની ઇચ્છાઓના સૂર શબ્દો આલાપે.
શાહી લથબથ લાગણીઓની લઈને અમે દોર્યા.
ફૂલ બનીને ફોર્યા,
શબ્દો હૈયામાં કંઈક મ્હોર્યા.

-મનુ.વી.ઠાકોર ‘મનન’
ભદ્રાડા
______________________
____________________________
#manan_2019
#mobilography
#flowers #prakrutinipaspas
#love_photography #lovenature

અકૂપાર__________

#અકૂપાર__________🦁

પ્રકૃતિ અને સંસ્કૃતિ તો મારા હૈયામાં જનમથી જડાયેલી છે. ને આ લાગણી મારી લોકજીવનની હારે જ ઘડાયેલી છે.
ખમ્મા ગ્યર ને!
ગીર એટલે આ બંનેનો સમન્વય.
નેહડાનો નેહ ને સ્હાવજનો દેહ તો આવો જ હોય ને! અકૂપાર નાટક વિશે સાંભળ્યું ને તરત જ મારું મન જોવા અધીર થવા લાગ્યું. ગીર જવાનાં મનોરથ તો હજુ ફળ્યા નથી પણ એ ઘટનાઓને થોડી ઘણી જોવા ને જીવવા મળે એય રાજીપો. ફિલ્મના પડદા પર જે મજા નથી આવતી એ નાટકની રંગભૂમિમાં આવે છે. અહીં દ્રશ્યો જીવંત થાય છે.
“જગત સરે છે ચિત્રો સરતા નથી.” -અકૂપાર)
નાટક જોવું એ પહેલાં નવલકથા વાંચી લઉં તો વધુ મજા આવશે એટલે એક દિવસ પહેલાં જ વાંચી લીધી. પ્રથમવાર નાટક જોવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો. હેલ્લારો જોયા કરતાં કેટલોય વધુ આનંદ મને અકૂપાર નાટક જોવાનો થયો. ફિલ્મનો શોખીન હોઈ ત્યારે હવે’ અકૂપાર જોયાથી મને નાટકનું ઘેલું લાગ્યું. દેવકીનું સાંસાઈ રુપ અદ્ભુત. સંવાદો તો સોંસરવા ઊતરી જાય.
અન્ય દરેક પાત્ર પણ ખૂબ સુંદર રીતે રજૂ થયા છે.
અહ્હા..! અને વાહ..! તો તાળીઓના ગડગડાટ સાથે નીકળતા જ રહે. વિનાયક જીવનતત્વના ચિત્રો દોરવા ગીરમાં જાય છે. ત્યાં જુએ છે, ફરે છે ને ચીતરે છે. ચિત્રો દોરતા દોરતા એ ખુદપણ દોરાતો જાય છે ગીરની કેડીએ.
“ઘણીવાર આપણે ચિત્રો દોરીએ છીએ, કોઈ વાર ચિત્રો આપણને દોરી જાય છે.” – અકૂપાર)

ગ્યરની વાતો ને ગ્યરની ભાતોનું દ્રશ્યચિત્ર આ કલાકાર મિત્રો નગર સુધી લઈ આવ્યા ને હવે આપણે એ જોઇને ગ્યર સુધી ચોક્કસ પહોંચી શકીશું.
“કાં’ક હોય તો જ કાં’ક આવે”
નાટક જોયા પછી પ્રકૃતિના પ્રેમીઓનો ગ્યર તરફનો પ્રેમ ઘણો વધી જશે. ગ્યરને રંગભૂમિ કે પડદા પર જોઈ શકાય ખરી પણ એનો અસ્સલ મિજાજ તો ત્યાં ગયા વગર પામી ન શકાય.
નાટક એની મર્યાદાઓ સાથે રજૂ થતું હોય છે, ત્યારે દર્શકોના હૃદય સુધી પહોંચી શકવાના ઉત્તમ પ્રયાસ રહ્યા છે. સ્ટેજ સેટઅપ, લાઇટીંગ, સાઉન્ડ સિસ્ટમ ને કોસ્ચુયમ બધું જ સરસ રીતે સેટ કરવામાં આવ્યું હતું .
સાંસાઈ, આઇમા, ધાનુ, લાજો, દોરાથી, રવા આતા,
અહેમદ, વિક્રમ, ગોપાલ, રવિ, જુસબ ને રેશમા વગેરે પાત્રો
રંગભૂમિ પર જીવંત જ લાગે છે. આપસૌ પણ આ નવલકથા અને નાટકને ચોક્કસથી માણજો………ખૂબ મજા આવી જશે.

મનુ.વી.ઠાકોર ‘મનન’
ભદ્રાડા

🦁🌲🦁🌳🦁🌳🦁🌳🦁

અકૂપારના ગમતાં કથનોએ નવલકથા અને નાટક બંને પ્રત્યે મારો પ્રેમ વધાર્યો છે.

– “ખમ્મા ગ્યર ને!”
– “કાં’ક હોય તો જ કાં’ક આવે.”
– “જગત સરે છે ચિત્રો સરતા નથી.”
– “ભેંહું હોય ન્યાં ભેં ના હોય”
– “જોણું સે તો આંખ્યું સે.”
– “એટલે બવ થાય તયેં પ્રથમી વસારે કે ખાવા રેખું પહેરીસ તો આ પરજા કાંય રે’વા ન ઈ દે એટલે કોઈ ખાય નો હકે એવું જ ઉગાડે.”

– “નેવકું કાંય પેરણું નો રેય ઈના કરતાં કુંવાડિયો પહેર્યો સારો. વસ્તર તો કેવાય!”

– “ગયરમાં કુંવાડિયો વસ્તર નો કે’વાય માડી, આયાં તો ઈ ધોળું કફનનું કપડું કે’વાય.”

– “જનાવર આપડી હાય્ રે રે’તા સીખી ગ્યા, આપડે ઈનીં હાય્ રે રે’તા નો સીખ્યા.”

– “ઘરની છોડી જેવી ગાયનું દાન તમને દીધું સે, તમારાં ને તમારાં બસોળીયાનાં પેઠ ઠરે, બીજું તો તમનેય સ્હું કંવ!”

– “જ્યાં રંઈ ન્યા મોજથી રે’વું. જિગ્યાના નામ તો આપણે જ દિધા સે ને.”

– આ રોડ માથે મોટરું, ખટારા ને ફટફટીયાં જેટલાંને મારે સે એટલાંને ન્યાં સાવજ, દીપડે કે નાગ-વીસીંએ માર્યાં કોઈ દિ સ્હાભળ્યા નથ્ય.

-ઘંટલો પરણે ઘંટલીને અણવર વાંહાઢોર,
હીરણ મેઘલ જાનડિયું ને ગીરમાં ઝાકમઝોળ

-આ ગ્યરને નામે તમારી કેરીયું વેસો, ગ્યરના નામે ઘી વેસો,
તયેં આયાં ગ્યર નો લાગે ઈ કેમ યાદ નથ રેતું?

– નકસાવાળી ગ્યર આપડે નથ જોતી, ઇંને ટુરિસ્ટ સ્હારું રાખો. આપડે તો જ્યાં સ્હાવજ હાલ્યો ઈ બધીયેં ગ્યર.

-સ્હાવજુ વધી ગ્યા એટલે બારા નીકળી ગ્યા સે ઈ બધી વાત્યું છાપાની. સ્હાસું તો ઈ છે કે ગ્યરની માલીકોર આપડે રે’વા મંડ્યા. તોય ગ્યરના જીવ માતરે આપડી આમન્યા રાખી. એની જગ્યા દબાતી ગઈ એમ ઇ અંદર જાતા ગ્યા
પસી સ્હાવજ ક્યો કે બીજા જીવ જાય ક્યાં?

– મેં પૂરી સતર્કતાથી અનુભવ્યું કે ગીર કોઈ અજ્ઞાત વૈભવશાળી લયમાં સ્પંદિત થાય છે. અરે! મારી આસપાસ કે મારી નજર સમક્ષ જે કંઈ છે તેનો એક ચોક્કસ લય છે.

-પ્રથમવાર મેં અનુભવ્યું કે શ્રેષ્ઠ ચિત્રો બનાવી નથી શકાતાં, એ તો નીપજે છે. સર્જક ગણાતો હોય તોપણ માનવી આખર માનવી છે. બનતો પ્રયત્ન કરવા સિવાય તે કંઈ કરી શકતો નથી.

-ચિત્રો દોરતાં મને હંમેશા લાગ્યું છે કે મને દેખાતા રંગો અને મેં જોયેલા દ્રશ્યો હું જેવા હોય છે તેવા ફલક પર ઉતારી શક્યો નથી. આટલા સમયથી ચિત્રો કરતો હોવા છતાં આમ કેમ બને છે તે હું સમજી શકતો નથી. અત્યારે જરા-તરા આભાસ થાય છે કે આવું થાવાનું કારણ માત્ર નજરથી જોઈને કામ કરવાનો પ્રયત્ન હોઈ શકે. દ્રષ્ટિ સિવાય પણ રંગો જોતા શીખવાનું મારે બાકી છે.

-અકૂપારમાંથી)

#Akoopar
#novel #drama
#manan_2019
#lovenature #prakrutinipaspas

🐅🐜🐝🦋🐞🐛🐌🐬🐟🦎🦂🐲🐉🐾🕸️🕷️🌱🌲🌳🌴🌵🌴🌴🌴🌳🌲🌱🌎🌍🌊

સંશોધનક્ષેત્રે…………

#સફર_______
#સંશોધન___________
#ક્ષેત્રકાર્ય__________________

સંશોધનક્ષેત્રે આરંભેલી કાર્યસફરને રજાઓ દરમિયાન વેગ આપ્યો છે. સંશોધન તો મારી નજરથી થતું જ રહ્યું છે પણ અન્ય શું થયેલું છે એ પણ શોધવું જ રહ્યું. સંદર્ભો મળતા રહે ત્યારે આપણે આપણા કાર્યને વધુ ચોક્કસાઇપૂર્વક કરી શકીએ છીએ.

મલક તણાં મુજ માનવી, મીઠા મોંઢે વેણ,
છલકે હૈયાં હેતથી, નેહે ભર્યા નેણ.

વઢિયાર પ્રદેશની પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહિત્યને જોવા અને જાણવા મારી યાત્રા અવિરત ચાલુ જ રહેશે. મલકની માટીનો અસ્સલ રંગ પામવા છેલ્લી પેઢીના મોંઘામૂલા માનવીઓને મળવું છે. એમની સાથે ભળવું છે. એ આંખોમાં ધરબાયેલા સંસ્કૃતિના ખંડેરોના અવશેષ મળે તોય ઘણું છે. એ કંઠમાં રૂંધાઈ ગયેલા ગીતોના લય અને લહેકાઓને પામવા છે.

કુંવારકાને કાંઠે આવેલ નીલકંઠ મહાદેવના આશીર્વાદથી મારી આ સફરની શરૂઆત કરી છે. સાથે સાથે વઢિયાર સાહિત્યમંચના મિત્રો સાથે મળીને આ પ્રદેશ માટે કાર્યરત થવા માટે આગામી આયોજનની વિચારણા કરી. ત્યાંથી વળતાં રાફુ ગામે આઈ મા સભાઈ અને પ. પૂ. ગણપતરામ મહારાજના સ્થાનકે દર્શન કર્યા. અહીંથી આગળ વઢિયારની ઓળખ વરાણાધામે આઇ મા ખોડિયારના દર્શન કર્યા. આધારભૂત માહિતી મેળવી. વરાણાથી ‘શ્રીમદ્ નાગપુરાણ’ પુસ્તકો લઈ શ્રી મનુજ યોગી સાહેબના સાનિધ્યે તેમના ઘરે વાંસા મુકામે વઢિયારી સાહિત્યમિત્રો તથા સુરતથી આવેલ કવિમિત્ર નિતેશભાઈ ટાંક સાથે મુલાકાત કરી. તેમના પરિવારની સત્કાર ભાવના એક વઢિયારી તરીકે ગૌરવ લઈ શકાય એવી રહી.સર્વે મિત્રોને તિલક કરી, શાલ ઓઢાડી આવકાર આપ્યો. મારા આ દુહા સાથે આ આવકારો યથાર્થ છે.

આવો તો અમ આંગણે, આપું અઢળક સ્નેહ,
હરખાશે તમ હૈયડાં, હેતાળી અમ શેહ.

સૌ મિત્રોને આ પ્રદેશની કથાઓનાં ખજાનારૂપ પુસ્તક ‘શ્રીમદ્ નાગપુરાણ’ ભેટ મળ્યું. એથી વધુ મને મારા સંશોધન માટે જરૂરી પુસ્તકો મળ્યા અને તેમની પાસેથી ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન મળ્યું. કબાટમાં ગોઠવાયેલા અલભ્ય પુસ્તકો જોઇ મારું મન ઘડી ઘડી જોવા એ તરફ લલચાઈ રહ્યું હતું. એટલી બધી વાતો હતી કે સમય ઓછો જ પડે. સાહિત્ય અને સંશોધન પ્રત્યે આ પ્રદેશ માટેનું તેમનું કાર્ય જોતા જ હું નતમસ્તક થઈ ગયો. વર્ષો પહેલાં કરેલી શરૂઆત આજે અમારા માટે પ્રેરણાદાયી બની છે. કશું જ ન બોલતાં હું ફક્ત એમને સાંભળવામાં જ મશગૂલ હતો. . વાતો અધૂરી જ રહે ત્યારે જ્યારે પણ મદદ જોઈએ ઘર સુધી આવી જવું એવો સ્નેહ મળ્યાનો આનંદ. આજે જ જૂના માંકા ખાતે મનુજ યોગી સાહેબનું ‘શ્રી ગોદડિયા લીલામૃત’ પુસ્તક વિમોચન થયું. જેમાં ગોદડિયા સંતોના જીવનચરિત્ર અને દિવ્યવાણી વિશે વિસ્તૃત વાત કરી છે. સાંજ ઢળી ગઈ હતી ને બહાર જોરદાર પવન અને વરસાદ ચાલુ હતો ને અમે ઘરે પરત ફર્યા. વઢિયારના વૈભવ ની આ પ્રકારે આછેરી ઝલક મળી ને મનહદય ખુશ થઈ ગયું. મારું ક્ષેત્રકાર્ય સફળ રહ્યું. સતત બે દિવસની રખડપટ્ટીમાં કશુંક પામ્યાનો પરિતોષ.

🍂ગીત/વાતો ધરા વઢિયારની..

બનાસની બે કાંઠે વહેતા આ જીવતરની બોલીમાં પડઘાતા પ્યારની,
નોખી વાતો ધરા વઢિયારની

રૂડો છે રૂતબો અહીં રાધનપુર શહેરનો
ને રૂડો આ રણનો પ્રદેશ;
રૂડા છે ગીતો ને રૂડી છે રીતો
ને રૂડો ધરાવે છે વેશ.

હેતાળા હૈયામાં હામ ભરી હારોહાર
જીવતા એ નરને સૌ નારની,
નોખી વાતો ધરા વઢિયારની

થૈ ગાયોની વારે, તગતગતી તલવારે
ધડ લડે વચ્છરાજનું ધીંગાણા;
ખમકારો કરતી મા ખોડલ વિરાજે છે
રૂડા છે ધામ અહીં વરાણા.

આંગણનો આવકારો, હોંકારો, પડકારો ઝીલતા એ વટ ને વહેવારની
નોખી વાતો ધરા વઢિયારની.

વરસોથી વણખેડી વઢિયારી વાત્યુંનો
ધરબીને બેઠું ઇતિહાસ;
કલમની કેડી કંડારી કોઈ આવે જો
મળશે જીવનનો અહીં પ્રાસ.

મીઠા બે બોલે બંધાઈ જતી પળમાં એ લાગણીના રણઝણતા તારની
નોખી વાતો ધરા વઢિયારની.

-મનુ.વી.ઠાકોર ‘મનન’

ગીત / મનન🍃

@નોંધારું જીવતર (ગીત) / મનન🍃

કેમ કરી કાઢવી આ રાત્યું?
હવે કરવી જઈ ક્યાં મારે આખ્ખાય આયખાની વાત્યું?

ડૂસકાઓ ડૂબે છે એકધારા આવીને ઊંડા આ છાતીના વહેણમાં,
ઓશિયાળા આંસુથી ઓશીકે ઊભરતી રાત કાળી ફૂટે છે નેણમાં,
હીરની ગૂંથેલ મારી નવરંગી ઓઢણીની ભૂંસાઈ ગઈ ભરચકતી ભાત્યું,
કેમ કરી કાઢવી આ રાત્યું?

જન્મારો વેઠીને વાવ્યુંતું વ્હાલ જેની વિરહે સૂકાઈ રહી વેલી
હારોહાર હાલવાની હૈયાની વાત ભૂલી નોધારી કેમ મૂને ઠેલી
મેલાય ગઈ માદળીયે બાંધીને રાખી જે મનખાની મોંધી મોલાત્યું
કેમ કરી કાઢવી આ રાત્યું?
હવે કરવી જઈ ક્યાં મારે આખ્ખાય આયખાની વાત્યું?

-મનુ.વી.ઠાકોર ‘@મનન’
ભદ્રાડા

વતનની વાટે…..🏕

વતનની વાટે…..🏕

વીત્યા કેટલાય
દિવસો વતનના વિરહમાં,
ઝુરાપો વરતાતો મને,
એની ઝીણી ઝીણી
યાદોને ઝંખતો રહેતો.
એ વિસરાતી વાતોને
હું વાગોળ્યા કરતો,
એ આભ-ધરતી નીચે
જીવવાનું ખુલ્લાપણું
અહીં પરદેશમાં ક્યાં.?
આમ તો વર્ષોથી રહું છું દૂર,
પરંતુ, તોય જ્યાંથી
જીવવાની શરૂઆત થઈ હતી
એ વતનની વ્હાલપ
એવી તો ઓળઘોળ થઈ
વળગી રહી છે મને
કે તેના સ્મરણોથી વિખૂટા
થઈ શકું ખરો?
મલકની એ માયા,
ને વળી એ માયાળું
મનેખ,
મન ભરીને મળવાની
ઇચ્છાઓ સાથે
પગ ઉપડી રહ્યા છે
આજે એ વાટે…!

-મનુ.વી.ઠાકોર ‘મનન’

ભદ્રાડા

કોણ હજુ…..? /મનન

કોણ હજુ વગડામાં વેણુ વગાડે?
મારા અંતર મહીં ઓરતા જગાડે.

કદમ્બની છાંય તળે વરસોથી ઘૂંટાતો એકાકી સૂર ક્યાંક જાગે,
મારી આ ધસમસતી આખ્ખીય જાત ભાન ભૂલીને આમ-તેમ ભાગે,
વાટે વૃંદાવનની વિરહાના વાયરા વહેતા થઈ દલડાં દઝાડે,
કોણ હજુ વગડામાં વેણુ વગાડે?

ભીંસાતા શમણા જે આંખોની કોરાણે વલખી વલખીને હવે વહેતા,
ભૂલી ગ્યાં ભવનું એ ભાવભીનું સગપણ જે આંખને ઉતારે કદી રહેતા,
હવે વેઠવી જે વેદનાના નામ કોઈ આપીને ભીતરમાં ઝાડ શેં ઉગાડે.
કોણ હજુ વગડામાં વેણુ વગાડે?

-મનુ.વી.ઠાકોર ‘મનન’
ભદ્રાડા
૧૨-૧૦-૨૦૧૯